જૂનાગઢ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા ખાલી બેઠકો પર પ્રવેશ ઈચ્છુકો અરજી કરે

જૂનાગઢ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા ખાલી બેઠકો પર પ્રવેશ ઈચ્છુકો અરજી કરે 

જૂનાગઢ તા.૩૦,  

રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઐાદ્યોગિક તાલીમ સંસ્‍થા જૂનાગઢ, જૂનાગઢ મહિલા આઇ.ટી.આઇ. તેમજ વંથલી, માણાવદર, કેશોદ, માળીયા, મેંદરડા, ભેસાણ, વિસાવદર, ગીર ગઢડા, ઊના, સુત્રાપાડા, તેમજ તાલાળા અને ગ્રાન્ટ ઈન એઇડ ઐાદ્યોગિક તાલીમ સંસ્‍થાઓનાં કેન્‍દ્રો જોષીપુરા, રહેમાની જૂનાગઢ, શારદાગ્રામ, વેપ્‍કો વેરાવળમાં કેટલાક વ્‍યવસાયોમાં પ્રવેસસત્ર ઓગષ્‍ટ-૧૫ થી જુજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઉક્ત સંસ્‍થાઓ ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન નવીન પ્રવેશ ફોર્મ ભરી રજિસ્‍ટ્રેશન ફી રૂા. ૫૦ તથા જરૂરી પ્રમાણપત્રો સહિત પરત જમા કરવવાનાં રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન અરજીપત્રક ભરેલ હોય તેવા ઉમેદવારો અને કોઇ કારણવશ પ્રવેશ મેળવી શકેલ ના હોય તેમણે રજીસ્‍ટ્રેશન ફી ભરવાની થતી નથી. તેઓએ ઓનલાઇન અરજીપત્રક  અને રજીસ્‍ટ્રેશનની ભરેલ રસીદ સાથે સબંધિત સંસ્‍થાને અરજી કરવાની રહેશે. ઉક્ત તમામ સંસ્‍થાઓની બેઠકો ભરવાની બીજા રાઉન્ડ કાર્યવાહી નોડલ ઐાદ્યોગીક તાલીમ સંસ્‍થા જૂનાગઢ ખાતે કરવામાં આવનાર છે. જ્યારે ત્રીજા રાઉન્ડ કાર્યવાહી જે તે ઐાદ્યોગીક તાલીમ સંસ્‍થા ખાતે કરવામાં આવનાર છે. જેનો પ્રવેશ વાંચ્છુ ઉમેદવારોએ લાભ લેવા આચાર્ય આઇ.ટી.આઇ. જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.          

૦૦૦૦૦૦૦૦

જૂનાગઢ ખાતે સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭-૦૮-૧૫ ના રોજ યોજાશે

જૂનાગઢ તા.૩૦,

લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્‍વાગત ઓન લાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત માહે ઓગષ્‍ટ-૨૦૧૫માં જૂનાગઢ જિલ્‍લાનો માન. મુખ્મંત્રીશ્રીનો સ્‍વાગત ઓનલાઇન કાર્યક્રમ તા.૨૭ ઓગષ્‍ટ.-૨૦૧૫ ગુરૂવારનાં રોજ તથા તાલુકા કક્ષાના પ્રશ્‍નો માટે તા.૨૬-૦૮-૨૦૧૫ (ચોથા બુધવારે)ના રોજ સબંધિત તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.

        વિશેષમાં માન. મુખ્‍યમંત્રીશ્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્‍વાગત કાર્યક્રમ પણ શરૂ કરેલ છે. ગ્રામ્‍ય લોકોએ તેમના પ્રશ્નો જે તે ગામના તલાટીને દર મહીનાની ૧૨ તારીખ સુધીમાં રજુ કરી દેવા. 

        જિલ્‍લા કક્ષાના પડતર પ્રશ્નો માટે લોકોએ તેમના પ્રશ્‍નો જિલ્‍લા કલેકટરશ્રીને અને તાલુકા કક્ષાના પ્રશ્‍નો સીધા સબંધિત મામલતદાર કચેરીને તા. ૧૦/૦૮/૨૦૧૫ સુધીમાં મોકલી આપવા.

        મુદત બાદની અરજી, અસ્‍પષ્‍ટ રજુઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્‍ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્‍યકિતગત આક્ષેપોવાળી અરજી, નિતી-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસોવાળી અરજી, અરજદારને સ્‍વંય સ્‍પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજુઆત અંગે સબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજુ કરેલ પ્રશ્નો, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજુ થયેલ પ્રશ્નો અરજદારે રજુ કરવા નહી. 

        જિલ્‍લા કક્ષાના પ્રશ્‍નો જિલ્‍લા કલેકટર કચેરી, જૂનાગઢ ખાતે તા. ૨૭-૦૮-૨૦૧૫ ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી અને સબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જયારે તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા.૨૬-૦૮-૨૦૧૫ના ચોથા બુધવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકે મામલતદારશ્રી અને સબંધિત ખાતાના અધિકારીઓ અરજદારને સાંભળશે. તેમ કલેકટર કચેરી જૂનાગઢ ની યાદીમાં જણાવાયુ છે.                                           

૦૦૦૦૦

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંજી ચુડાસમા જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે

જૂનાગઢ તા.૩૦,

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહજી ચુડાસમાં આવતીકાલ તા.૩૧ જૂલાઇનાં રોજ જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પસ ખાતે જિલ્લા સ્‍તરની રાષ્‍ટ્રીય સેવા યોજનાની ત્રિદિવસીય વિદ્યાર્થી શીબિરમાં સવારે ૧૧-૦૦ કલાકે ઉપસ્‍થિત રહેશે. બાદમાં ૧૩-૩૦ કલાકે ધાર્મીક આશ્રમોમાં ગુરૂપુર્ણિમાં નિમિત્તે યોજાયેલ કાર્યક્રમોમાં હાજરી આપી અનુકુળતાએ અમદાવાદ જવા રવાનાં થશે. તેમ મંત્રીશ્રીનાં અંગત મદદનીશ શ્રી ડી.કે.ગલાણીની યાદીમાં જણાવાયુ છે.

૦૦૦૦૦૦૦૦

ફ્રાન્સમાં વર્લ્ડ માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પીયનશીપમાં રમવા જશે જુનાગઢનાં ત્રણ સિનીયર સિટીઝન નાગરિકો

વિદેશ જતા ખેલાડીઓનું પ્રભારી મંત્રી અને કૃષિ રાજ્યમંત્રી સહિતનાં માહનુભાવો દ્વારા કરાયુ બહુમાન

યુવાનો માટે પ્રેરણાદાયી ખેલાડીઓને સાંસદ પુનમબેન માડમનાં પિતાશ્રીનાં ટ્રસ્ટ દ્વારા અપાશે પુરસ્‍કાર

જૂનાગઢ તા.૩૦,

યુવાનો માટે પ્રેરણા આપતા ૬૦ થી ૭૭ વર્ષનાં જૂનાગઢનાં ત્રણ સિનીયર સિટીઝનો આગામી અઠવાડીયામાં ફ્રાન્સ ખાતે વર્લ્ડ માસ્ટર ચેમ્પીનશીપમાં ભાગ લેશે. દોડ અને વાંસકુદમાં ગોલ્‍્ડ મેડલ રાષ્‍ટ્રીય કક્ષાએ મેળવ્યા બાદ આ સિનીયર સિટીઝનો હવે આંતર રાષ્‍ટ્રી કક્ષાએ જઇ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાનાં ગૈારવ રૂપ  ત્રણ સિનીયર નારગીકો વિદેશ રમત માટે જઇ રહ્યા હોય તેમનાં સન્માન માટે જૂનાગઢ જિલ્લાનાં પ્રભારી મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, કૃષિ રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડ અને સંસદિય સચિવશ્રી જેઠાભાઇ સોલંકીએ આનંદની લાગણી વ્‍યક્ત કરી ત્રણેય સિનીયર રમતવિરોને રાજ્ય સરકાર વતી સફળતા માટે શુભકામમના પાઠવી હતી.

               જૂનાગઢનાં ૭૭ વર્ષનાં રેવતુભા જાડેજા, ૭૩ વર્ષનાં હિરાલક્ષ્‍મીબહેન વાસણ અને ૬૨ વર્ષીય ધિરેન્‍દ્રભાઇ હીરાણીએ તાજેતરમાં ગોવા મુકામે નેશનલ માસ્ટર એથ્લેટીક્સમાં રાષ્‍ટ્રીય કક્ષાએ મેડલ મેળવીને વર્લ્ડ ચેમ્પીનશીપ માટે પસંદગી પામ્યા છે. તેઓ ૧ લી ઓગષ્‍ટ થી ૧૬ ઓગસ્ટટ સુધી ફ્રાન્સમાં વર્લ્ડ માસ્‍ટર એથ્લેટીક્સ ચેમ્પીનશીપમાં ભાગ લેશે. ફ્રાન્સમાં  દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક સહિતની તમામ રમતો રમાશે. ૩૫ વર્ષથી ઉપરનાં ભાઇ બહેનો ભાગ લેશે.

                 ગોવા ખાતે રેવતુભાએ ૮૦ મિટર વિઘ્ન દોડમાં સિલ્વર મેડલ, હિરાલક્ષ્‍મીબેને આજ દોડમાં સિલ્વર મેડલ અને ૧૫૦૦ મિટર દોડમાં  સુવર્ણ ચંદ્રક અને શ્રી ધિરેન્દ્ર હિરાણીએ વાંસકુદમાં સુવર્ણ ચંદ્રક મેળવેલ છે. આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ આ સ્‍પર્ધામાં પ્રથમ આવનારને રૂા. ૨૫ હજાર, દ્રિતિયને રૂા. ૧૫ હજાર અને તૃતિયને રુા. ૧૦ હજાર પુરસ્‍કાર આ સિનીયર સિટીઝનોને ઈનામ પેટે મળશે.જામનગરનાં સાંસદ શ્રી પુનમબેન માડમનાં પિતાશ્રી સ્‍વ. હેમંતભાઇ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સિનીયર સિટીઝનોને રોકડ પુરસ્‍કાર અપાશે.

ખેલાડીઓને પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપનાર જૂનાગઢ માસ્ટર એથ્લેટીક એશોસીયેશનનાં સ્‍થાપક અને સેક્રેટરીશ્રી હારૂનભાઇ વિહળ અને પ્રમુખશ્રી ઈકબાલભાઇ મારફતિયા તેમજ શ્રી પી.કે. રાઠોડ સહિતનાં ખેલકુદ પ્રિય અગ્રણીઓ અને ખેલાડીઓએ શુભેચ્છા આપી છે.        

૦૦૦

જૂનાગઢ જિલ્લામાં ગરીબ વર્ગના લોકોને ગંભીર બિમારીની સારવારમાં આશીર્વાદ

સમાન બનતી મુખ્યમંત્રી અમૃતમ યોજના

લુંઘીયાના મજૂર લાભાર્થી હરીભાઇ વાઘેલા કહે છે મા યોજનાના કાર્ડથી તેમની

હાર્ટ સર્જરી અદ્યતન હોસ્પિટલમાં થઇ અને નવજીવન મળ્યું

      જૂનાગઢ તા. ૩૦

ગરીબ વર્ગના લોકો અગ્રીમ કક્ષાની હોસ્પિટલમાં સારવાર કરાવી શકતા નથી એવી સામાજિક માનસિકતા  ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજનાએ ભુસી નાંખી  અનેક ગરીબ પરીવારના લોકોને ગંભીર બિમારીમાંથી બેઠા કરી નવજીવન આપ્‍યું છે.

    મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતુત્વમાં રાજયમાં આરોગ્ય સેવાની ગુણવતા શ્રેષ્‍ઠ થઇ છે. મા અમુતમ પછી મા  વાત્સલ્ય યોજનાએ ગરીબ વર્ગના મોટા સમુદાયને આવરી લીધો છે. રાજય સરકારની મા અમુતમ યોજનાને લીધે રોજેરોજનું કમાઇને ગુજરાન ચલાવીને જીવન જીવતા પરિવારના કોઇ સભ્ય ગંભીર બિમારીમાં સપડાય તો તેને સુપર સ્પેશ્યાલિસ્ટ હો્સ્પીટલોમાં  સારવાર મળે તેવો વિચારસુધ્ધા ન આવે, પરંતુ ગરીબોની સાથે હર હંમેશ ઉભી રહેતી રાજય સરકારે એક સિમાચિન્હરૂપ સામાજિક સેવાનો દાખલો બેસાડી મા અમુતમ યોજનાનો આવિષ્‍્કાર કરી મહત્વનું કામ કર્યું છે એવું જરૂરથી લાગે જયારે મજૂરી કરતા કોઇ પરીવારના મોભીને ખર્ચાળ ઓપરેશનો વિના મુલ્યે અદ્યત્તન સવલતો ધરાવતી હોસ્પીટલમાં થાય. જૂનાગઢ જિલ્લામાં અનેક પરીવારોને મા યોજનાના કાર્ડ ઈસ્યુ થયા છે અને  બિમારીમાં તેનો લાભ લઇ સાજા થયા છે.

   વિસાવદર તાલુકાના ભલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના લુંધીયા ગામના  ૪૫ વર્ષીય હરીભાઇ પુનાભાઇ વાધેલા તેના પાંચ સભ્યોનું ગુજરાન મજુરી કરીને ચલાવે છે. હરીભાઇએ તેમને હાર્ટ એટેક આવશે અને ઘરમાં મોટો ખર્ચો આવશે તેવી કલ્પના પણ કરી  ન હતી. અચાનક તેમને છાતીમાં દુખાવો થતા અમરેલીની ખાનગી હોસ્પીટીલમાં તપાસ કરાવતા હદયરોગનો હુમલો આવ્યાનું અને મોટી હોસ્પીટલમાં  જવાનું કહેતા  હરીભાઇના પરીવારને  મા યોજનાનું કાર્ડ હોય ચિંતા કરવાની જરૂર નથી તેમ કહી ભલગામના હેલ્થ વર્કર શ્રી બી.એન.ગોંડલીયાએ સમજાવી સરકારી મેડીકલ ઓફીસરે સરકાર દ્વારા આ યોજનામાં ઉપલ્બધ ઉચ્ચ હોસ્પીટલની યાદી અંગે જાણ કરતા હરીભાઇ રાજકોટની સ્ટરલીંગ હોસ્પીટલમાં બતાવવા જતા હદયને લોહી પહોંચાડતી ત્રણ નળી બ્લોક થયાનું નિદાન થતા બાયપાસ સર્જરી કરાવી લેવાની સલાહ આપવામાં આવી હતી. મા યોજનામાં સરકાર રૂ.૨ લાખ સુધીનો ખર્ચ આપતી હોય સ્ટરલીંગ હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

   સરકારશ્રીની આ યોજનાનો લાભ લઇ સંતોષ વ્યકત કરતા હરીભાઇ વાઘેલા કહે છે કે મા અમુતમ યોજનાથી તેમની સારવાર સારામાં સારી હોસ્પીટલમાં થઇ છે. મા યોજનાના કાર્ડને લીધે એક પણ પૈસાનો તેમને પોતાને ખર્ચ થયો નથી.  વાહનભાડાનો અને ફરીવાર બે વખત બતાવવાનો ખર્ચ પણ ન થતા  આ લાભાર્થી કહે છે કે સરકારની આ યોજના ખરેખર કલ્યાણકારી છે. હાલ સ્વસ્થ જીવન જીવતા હરીભાઇના મુખ પર સંતોષની લાગણી જોવા મળે છે.                               

૦૦૦૦૦૦૦

Advertisements

ગીર સોમનાથ જિલ્લાની ૫૦૦ મહિલાઓને રાયફલ ફાયરીંગની તાલીમ આપવા હંગામી ફાયરીંગ બટ બનાવાયુ

ગીર સોમનાથ જિલ્લાની ૫૦૦ મહિલાઓને રાયફલ ફાયરીંગની તાલીમ આપવા હંગામી ફાયરીંગ બટ બનાવાયુ

ફાયરીંગ વિસ્‍તારમાં જવા પર પાબંદી મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ

ગીર સોમનાથ તા. ૩૦,

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્મમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલનાં ગતિશીલ ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમનાં ઉપક્રમે મહિલા સશક્તિકરણનાં ભાગરૂપે ૫૦૦ મહિલાઓને ૦.૨૨ રાયફલ શુટીંગની તાલમ આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લેવાની હોય અને રાયફલની પ્રાથમિક જાણકારી મળે તે માટે રાયફલથી શુટીંગ કરવાની તાલીમ આપવા આયોજન કરવામાં આવતા ૫૦૦ મહિલાઓને તા. ૧ અને ૨ ઓગષ્‍ટ ૨૦૧૫ એમ બે દિવસ સુધી શુટીંગની તાલીમ અપાશે. વેરાવળનાં જાલેશ્વર મંદિરનાં પાછળનાં ભાગે ખુલ્લા મેદાનમાં હંગામી ફાયરીંગબટ બનાવવામાં આવ્યુ છે.

       ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી કલ્પનાબેન ત્રિવેદીએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી આ બન્ને દિવસોમાં જાલેશ્વર રામાપીર મંદિરનાં પાછળનાં ભાગે એક કિલોમિટરનાં વિસ્‍તારમાં રાહદારીઓ અને વાહનની અવરજવર તથા પ્રવેશબંધી ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર આઇ.પી.સ.કલમ ૧૮૮ હેઠળ કોગ્નીઝેબલ સજાને પાત્ર ગુન્હો બને છે.          

                                        ૦૦૦૦૦૦૦૦૦

જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમા એ યોગ અને યજ્ઞ દ્વારા યોગ ગુરુ ની ગુરુ વંદના

જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમા યોગ અને યજ્ઞ દ્વારા યોગ ગુરુ ની ગુરુ વંદના

જૂનાગઢ તા.૩૦

મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે અને જ્ઞાન ફક્ત ને ફક્ત ગુરુ પાસે થીજ મળે છે. કારણ કે જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. જે ગુરુ સર્વસ્વ ત્યાગ કરી સમગ્ર માનવજાત ને જ્ઞાન રૂપી અમૂલ્ય ભેટ આપે છે તેવા તેજસ્વી ગુરુ ને અંતઃકરણ થી વંદન કરવાનો ઉત્સવ એટલેગુરુ પૂર્ણિમાઋતુ ચક્ર પરમને અષાડ સુદ પૂનમ ના પવન દિવસે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવે છે. આમ તો ગુરુ પૂર્ણીમાની ઉજવણી સમગ્ર વિશ્વ માં થાય છે પરંતુ જુનાગઢ માં પતંજલિ યોગ સમિતિના યોગ શિક્ષકો દ્વારાગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવનાર છે.

દુનિયાભરમાં ભારત નો ડંકો વગાડનાર વિશ્વ વંદનીય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ સમક્ષ ગુરુ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આગામી તારીખ 31/07/2015 ને શુક્રવારના રોજ સવારે 7 કલાકે, જુનાગઢના દાતાર રોડ ઉપર આવેલ આર્ય સમાજ ખાતે જુનાગઢ પતંજલિ યોગ સમિતિ દ્વારા જાહેર જનતા માટે યોગ પ્રાણાયામ શિબિર તેમજ યજ્ઞ કરી દુનિયાભરમાં ભારત નો ડંકો વગાડનાર વિશ્વ વંદનીય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ સમક્ષ ગુરુ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો યોગ પ્રેમીઓ અને સ્વદેશી પ્રેમીઓ ગુરુ વંદના કાર્યક્રમ માં હાજરી આપવા નમ્ર વિનંતી છે.

જુનાગઢમાં આવતીકાલે ધામધૂમપૂર્વક અને ભાવથી ઉજવાશે ગુરૂપૂર્ણિમાં મહોત્‍સવ

જુનાગઢમાં આવતીકાલે ધામધૂમપૂર્વક અને ભાવથી ઉજવાશે ગુરૂપૂર્ણિમાં મહોત્‍સવ

ગુરુર્બ્રહ્મા, ગુરૂર્વિષ્ણુ, ગુરૂર્દેવો મહેશ્વરાય, ગુરૂર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવૈ નમઃ

જુનાગઢ તા.:

ભારતીય સંસ્‍કૃતિમાં ગુરૂ મહત્‍વ-મહાત્‍મ્‍ય સર્વોચ્‍ય સ્‍થાન પર છે. ગુરૂ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણિમાં જીવનને શિક્ષીત અને દિક્ષીત કરવા માટે ગુરૂની ભૂમિકા બહુ મહત્‍વપૂર્ણ છે.સુમરન મારગ સાચકા, સદ્દગુરૂ દિયે બતાય, શ્વાસ ઉચ્‍છવાસે સુમરતા, એક દિન મિલ્‍યા આય તેથી આધ્‍યાત્‍મિક પરંપરામાં ગુરૂદેવનું સ્‍થાન સવોત્‍કૃષ્‍ટ છે. તેથી ગુરૂપૂર્ણિનું મહાપર્વ દરેક જગ્‍યાએ ભાવવિભોર વાતાવરણમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.

જુનાગઢના ગિરનાર રોડ ઉપર આવેલી શ્રી ગાયત્રી શક્‍તિપીઠ ખાતે પણ આજે ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ ધામધુમપૂર્વક ઉજવવામાં આવશે. આ પ્રસંગે સવારે ૮ થી ૧૨ વાગ્‍યા દરમિયાન ગુરૂપૂજન, શ્રી ગાયત્રી યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધર્મભીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગાયત્રી પરિવારજનો તથા ધર્મપ્રિય જનતાને લાભ લેવા ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. આ ઉપરાંત જૂનાગઢના રામટેકરી મંદિરના મહંતશ્રી કિશનદાસજી ગુરૂશ્રી રામકૃપાલદાસજીના માર્ગદર્શન હેઠળ તેમના શિષ્યગણ અને મંદિરના ભક્તગણો વિનોદભાઇ ભટ્ટ તેમજ  સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા રામટેકડી મંદિરે સવારે ૮-૦૦ વાગ્યે ગુરૂપૂજનનો ભવ્ય કાર્યક્રમ અને બપોરે શુદ્ધ, સાત્વિક અને પવિત્ર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને જૂનાગઢનાં માંગનાથ રોડ પર સરસ્‍વતી પ્રાયમરી સ્‍કુલના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, રઘુભાઇ ખીમાણી, સાગરભાઇ ખીમાણી દ્વારા ગુરૂપૂર્ણિમાની શાનદાર ઉજવણી થશે. જેમાં સ્‍કુલ મેનેજમેન્‍ટ, સ્‍ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા સવારે ૯ થી બપોરના ૧ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.

 

ગુરૂ ગોવિંદ દોનોં ખડે, કિસકો લાગુ પાય, બલિહારી, ગુરૂદેવકી, જીને ગોવિંદ દિયા બતાયઅષાઢ માસની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમાં કહે છે અને તે દિવસે મુનિશ્વર વેદ વ્‍યાસની જન્‍મજયંતિ પણ આવે છે. સદ્દગુરૂમાં અનન્‍ય નિષ્‍ઠા સિવાય ઉપાસના, પુજા અધુરા રહે છે. તેમણે આપેલા મંત્રમાં મનની અસ્‍થિરતા દુર કરવાની શકિત હોય છે. પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતા, જયારે ગુરૂને ગુરૂદેવનું સ્‍થાન, સન્‍માન, મોભો, બિરૂદ્ર આપવામાં આવેલ છે. ભગવાને મનુષ્‍યો માટે ગુરૂનું એટલા માટે સ્‍થાન આપેલ છે કે, ભગવાન દરેકના હૃદયમાં હોવા છતાં પ્રત્‍યક્ષ દર્શન થતાં નથી. પરંતુ ગુરૂદેવ તો પ્રતયક્ષરૂપે છે, પ્રભુ આવા ગુરૂઓને સામર્થ્‍ય આપે છે. શિષ્‍યને જો પોતાના સ્‍વરૂપ અને કર્તવ્‍યનો બોધ મળી જાય તો ગુરૂનું દિવ્‍યસ્‍વરૂપ એના હૃદયમાં પ્રગટ થઇ જાય છે. શાસ્ત્રોમાં પણ ગુરૂને સાક્ષાત પરબ્રહ્મનું સ્‍વરૂપ માનવામાં આવેલ છે  ગુકારએ અંધકાર છે. રૂકાર એ રોધનાર છે. અજ્ઞાનને દુર કરી પ્રકાશ પાથરે તે ગુરૂ. ગુરૂઅને શિષ્‍યના પવિત્ર આધ્‍યાત્‍મિક સંબંધની વિશિષ્‍ટતા એ ભારતીય સંસ્‍કૃતીની દેન છે. ગુરૂપૂર્ણિમાનો ઉત્‍સવ એ ગુરૂના ઉપકારોનું ઋણ ચુકવવાનો દિવસ છ.ે ગુરૂપુર્ણિમાં આધ્‍યાત્‍મિક જગતનું મહાપર્વ છે. સંસ્‍કૃતિના ઇતિહાસમાં અષાઢી પૂર્ણિમાં અથવા વ્‍યાસપૂર્ણિમાં (આ દિવસશ્રી વ્‍યાસજીનો જન્‍મ દિવસ છે) ના દિવસે ગુરૂપુજનનો મહિમા છે. પૌરાણીક ઇતિહાસ મુજબ સૌ પ્રથમ ભગવાન વેદવ્‍યાસનું પુજન નૈમિષારણ્‍યમાં વસતા સૌનક ઋષિએ કર્યુ હતું વર્ષોની સાધના-ઉપાસના કરવા છતાં સૌનિક ઋષિને પ્રભુની અનુભુતિ નહોતી થતી વેદવ્‍યાસે દ્રષ્‍ટિએ આપી તેથી તેમને આત્‍મજ્ઞાન થયું એટલે ઋષિએ તેમને ગુરૂ માની પુજન કર્યુ. ત્‍યારથી ગુરૂની મહત્તા વધી ગઇ, તેદિવસ અષાઢી પુનમનો હતો, તેથી તે દિવસને ગુરૂપૂર્ણિમાંનું નામ મળ્‍યું ત્‍યારથી આ મહાપર્વ ઉજવવાની પરંપરા ચાલી આવી છે.  સબ કછુ ગુરૂ પાસ હય, પાઇયે અપને ભાગ, સેવક મન સોંપી રહે. નિશદિન ચરણે લાગ

    ભગવાન શ્રી કૃષ્‍ણ શ્રીરામ કે જે સાક્ષાત પરમાત્‍માના અવતાર હતા તેમ છતાં જયારે મનુષ્‍ય દેહ ધારણ કરીને પૃથ્‍થવી પર અવર્તયા ત્‍યારે તેમને  પણ શિક્ષીત અને દિક્ષીત માટેગુરૂશરણે જવુ પડયું હતું અને આપણા ભારત વર્ષમાં ગુરૂ શિષ્‍યની પરંપરાનું આગવુ મહત્તા રહ્યું છે અને ગુરૂપૂર્ણિમાં ના દિવસે ગુરૂની ઉપાસના કરી ભાવવંદના વ્‍યકત કરે છે.

   એવા આ પાવન અવસરે જુનાગઢના ભવનાથ અને જિલ્લાના વિવિધ આશ્રમોમાં ગુરૂપૂર્ણિમાંના અવસરને ઉજવવા આયોજન કરાયુ છે. જેમાં જેમાં સવારે ૯ કલાકે શાષાોકત વિધિથી પૂ. ગુરૂવંદના થશે અને બપોરે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમો યોજાશે.

   સોરઠના સંતો પુ. ગોપાલનંદ બાપુ, મહામંડલેશ્વર પુ.ભારતી બાપુ, પુ. ઇન્‍દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, તનસુખગીરી બાપુ તેમજ મુકતાનંદ બાપુના સાનીધ્‍યમાં ગુરૂપૂર્ણિમાં પર્વની ભકિત સભર ઉજવણી થનાર છે.

બી.ટી.કપાસનાં જીંડવાની ગુલાબી ઇયળનું અસરકારક નિયંત્રણ મેળવવાના પગલાઓ અપનાવવા જિલ્‍લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ

બી.ટી.કપાસનાં જીંડવાની ગુલાબી ઇયળનું અસરકારક નિયંત્રણ મેળવવાના પગલાઓ અપનાવવા જિલ્‍લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ

જૂનાગઢ તા.૨૯,

જૂનાગઢ જિલ્‍લાના વિસાવદર તાલુકાનાં અમુક ગામોમાં હાલ કપાસના જીંડવાની ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. જેના લીધે કપાસના ફુલ ભમરી પર અસર થતાં ખરી પડવાના કિસ્‍સાઓ ખેડુતોને ધ્‍યાને આવ્‍યા છે. કપાસને ગુલાબી ઇયળના ઉપદ્રવથી બચાવવા માટે નિયંત્રણના પગલાઓ લઇ આ ઇયળનો ઉપદ્રવ અટકાવી શકાય છે.

જીંડવાની ઇયળનો ઉપદ્રવ ફુલ ભમરીની અંદર થતો હોવાથી દવાના છંટકાવ કરતા ગુલાબી ઈયળનાં ઉપદ્રવથી લઇને કપાસની છેલ્લી વીણી સુધી હેકટરદીઠ ૪૦ ફુર્દી માટેની ફેરોમેન ટ્રેપ લગાવવામાં આવે, મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ પ્રમાણે ફેરોમેન ટ્રેપ ગોઠવવામાં આવે તો આ ઇયળના ફુદાઓનો નાશ થશે અને ઇયળનો ઉપદ્રવ ઘટશે.જો ફેરોમેન ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ૮ થી ૯ ફુદી પકડાય તો જંતુનાશક દવા જેવી કે ક્વીનાલફોસ ૨૫ ઇ.સી. ૧૦ મીલી અથવા ફેનવલરેટ ૨૦ ઇ.સી. ૧૦ મીલી, અથવા પ્રોલીટ્રીન ૪૪ ઇ.સી. ૧૦ એમ.એલ. અથવા એમામેક્ટીન ૫ ડબલ્યુ જી ૨ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ એમ.એલ.  ફ્લુબેન્‍ડીએમાઇડ ૪૮ એસ.સી ૩ એમ.એલ. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇ.સી. ૧૦ એમ.એલ., અથવા ક્લોરોટ્રેનીલીપ્રોલ ૩ મી.લી. લેખે દશ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.દરેક છંટકાવ વખતે દવા બદલતી રહેવી. ઇયળનો ઉપદ્રવ ખેતરના થોડાં વિસ્‍તાર પૂરતો મર્યાદિત હોય તેવા સંજોગોમાં નુકશાન પામેલા ફુલ ભમરી અને પાંદડાઓનો નાશ કરવો. જે વિસ્‍તારમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધુ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી.

      ગુલાબી ઈયળનાં શરૂઆતનાં ઉપદ્રવથી હેક્ટરે ૧.૫ લાખ ટ્રાઇકોગ્રામો ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેક્ટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવાની જૈવીક નિયંત્રણનો લાભ લઇ શાકય છે. જૈવીક નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૧૫૦૦ પીપીએમ-૫૦ મીલી/પ્રતિ પંપ છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ સારી રીતે થઇ શકે છે.

જૈવિક નિયંત્રણ માટે કળી-અને જીંડવા બેસે ત્‍યારથી લીંબોળીનું તેલ-૬૦ મીલી અને બ્‍યુવેરીયા બાસીયાના-૬૦ ગ્રામ, બીટી પાવડર-૬૦ ગ્રામ/ પ્રતિ ૧ પંપમાં મિશ્ર કરી છંટકાવ કરી પણ સારું નિયંત્રણ મેળવી શકાય છે. રાસાયણિક નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ, ક્વિનાલફોસ અથવા ડીડીવીપી દવા પ્રતિ પંપ ૨૫ મીલી પ્રમાણે રાખી છંટકાવ કરવો. જો વધારે પ્રમાણમાં ઉપદ્રવ જણાય તો કોરોજન અથવા નુવાલ્યુરોન દવા ૨૦ મીલી/પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવાથી સારું નિયંત્રણ થઇ શકે છે.

આ તમામ પગલાઓ લઇ જીંડવાની ગુલાબી ઇયળનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે, તેમ જૂનાગઢ જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.      

૦૦૦૦૦

જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક  ૨૮ ઓગષ્‍ટ-૧૫નાં રોજ યોજાશે

જૂનાગઢ તા.૨૯,

જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતી અને સંકલન સમિતીની બેઠક દર માસે ત્રીજા શનિવારે યોજાતી હોય છે. પરંતુ આગામી ઓગષ્‍ટ માસે ત્રીજા શનિવારે ૧૫ મી ઓગષ્‍ટ (સ્‍વાતંત્ર્ય દિન) ની જાહેર રજા આવતી હોય ઓગષ્‍ટ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક હવે ૨૮/૦૮/૨૦૧૫નાં રોજ નિયત સમયે યોજવામાં આવનાર છે. જેની સંબંધિત તમામએ નોંધ લેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયુ છે.

૦૦૦૦૦૦

ડો. બાબા સાહેબની ૧૨૫મી જન્મજયંતી ઉજવણી ઉપલક્ષ્‍યે જૂનાગઢમાં યોજાનાર સાંસ્‍કૃતિક કાર્યક્રમો મોકુફ

જૂનાગઢ તા.૨૯,

ડો. બાબા સાહેબ આંબડકરજીની ૧૨૫મી જન્મ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા. ૩૦ જુલાઇનાં રોજ  ઓઘડનગર ખાતેની આદર્શ નિવાસી શાળામાં યોજાનાર ભવાઇનો(સાંસ્‍કૃતિક) કાર્યક્રમ રાષ્‍ટ્રીય શોકનાં કારણે મોકૂફ રાખવામાં આવેલ છે તેમ નાયબ નિયામક કે.એ.પ્રજાપતીની યાદીમાં જણાવાયુ છે.

00000000000

જૂનાગઢ જિલ્લામાં ડેમ સાઇટ પર નોંધાયેલ વરસાદ

જૂનાગઢ તા.૨૯,

જૂનાગઢ જિલ્લામાં આવેલા ડેમ સાઇટ પર આજે ૨૯ જુલાઇની સવારે ૬-૦૦ કલાક સુધીમાં નોંધાયેલ વરસાદ મધુવંતી ૧૭ મી.લી, આંબાજળ ૧૫ મી.લી, ઝાંઝેશ્રી ૧૯ મી.લી, ઉબેણ ૧૭ મી.લી, ધ્રાફડ ૧૭ મી.લી, ઓઝત શાપુર ૧૫ મી.લી, ઓઝત-૨ ૧૪ મી.લી, ઓઝત વંથલી ૧૯ મી.લી, મોટા ગુજરીયા ૪૫ મી.લી, બાંટવા ખારો ૧૮ મી.લી, હસ્‍નાપુર ૨૦ મી.લી, પ્રેમપરા ૩૬ મી.લી, ગળથ ૬૫ મી.લી, ઓઝત આણંદપુર ૩૫ મી.લી, ઉબેણ વિયર કેરાળા ૪૫ મી.લી. વરસાદ નોંધાયેલ છે.

૦૦૦૦૦૦

જૂનાગઢ જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડતર માર્ગદર્શન સપ્‍તાહ યોજાશે

જૂનાગઢ તા.૨૯,

જિલ્લા રોજગાર વિનીમય કચેરી અને માહિતી ખાતાની જૂનાગઢ કચેરીનાં સંયુક્ત ઉપક્રમે આગામી ૧૧ ઓગષ્‍ટ થી ૧૭ ઓગષ્‍ટ સુધી  વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કારિર્દી આયોજન સપ્‍તાહની ઉજવણી હાથ ધરાશે. કાર્યક્રમનું ઉદઘાટન તા. ૧૧ ઓગષ્‍ટે સરકારી ગર્લ્સ હાઈસ્‍કુલ જૂનાગઢ ખાતેથી કરવામાં આવશે. સપ્‍તાહ દરમ્યાન જિલ્લાની વિવિધ શાળાઓને આવરી લઇ શાળા કક્ષાએ  તજજ્ઞોનાં વાર્તાલાપ, વાલી સંમેલન, વકતૃત્વ સ્‍પર્ધા, પ્રદર્શન, નિબંધ લેખન, ઉદ્યોગગૃહો તેમજ ટેક્નીકલ સંસ્‍થાઓની મુલકાત વગેરે આયોજનો હાથ ધરાશે.  તા. ૧૭ ઓગષ્‍ટનાં રોજ માણાવદરની લાયન્સ હાયર સેકન્ડરી માધ્યમિક શાળા ખાતે સમાપન સમારોહ યોજાશે. તેમ રોજગાર અધિકારી(જનરલ)ની યાદીમાં જણાવાયુ છે.

                                                 ૦૦૦૦૦૦

             જૂનાગઢ જિલ્લાનો ૬૬ મો વન મહોત્સવ કાર્યક્રમ મોકૂફ

જૂનાગઢ તા.૨૯

પ્રતિ વર્ષની માફક રાજ્યભરમાં વન મહોત્સવનું આયોજન હાથ ધરાતુ હોય છે. આવતી કાલ તા. ૩૦નાં રોજ નવી આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાનો ૬૬મો વન મહોત્સવ રાષ્‍ટ્રીય શોક જાહેર થવાથી મોકૂફ રાખવામાં આવેલ છે તેમ નાયબ વન સંરક્ષકશ્રી ડી.આઇ.ઠક્કરની યાદીમાં જણાવાયુ છે.

                                            ૦૦૦૦૦૦૦૦૦૦૦

ઓમ શાંતી ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ સોનાપુરી ખાતે યોજાશે ગુરૂપૂર્ણિમા મહોત્સવ

ઝુલેલાલ વાડી ફુલીયા હનુમાન રોડ જૂનાગઢ ખાતે મહાપ્રસાદનું આયોજન

જૂનાગઢ તા.૨૯

ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ મહત્વમહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. ગુરૂ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરવાનો અવસર એટલે ગુરૂપુર્ણિમાં જીવન ને શિક્ષીત અને દિક્ષીત કરવા માટે ગુરૂની ભૂમિકા બહુ મહત્‍વપૂર્ણ છે.સુમરન મારગ સાચકા, સદગુરૂ દિયે બતાય, શ્વાસ ઉચ્છવાસે સુમરતા, એક દિન મિલ્યા આયતેથી આઘ્યાત્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. તેથી ગુરૂપુર્ણિમાનું મહાપર્વ દરેક જગ્યાએ ભાવવિભોર વાતાવરણમાં ધામઘુમથી ઉજવવામાં આવે છે.આવી ઉજવણી જૂનાગઢનાં ઓમ શાંતી ટ્રસ્‍ટ દ્વારા સોનાપુરી ખાતે તા. ૩૧ જુલાઇનાં રોજ સવારે ૭-૦૦ થી ૧૩-૦૦ કલાક સુધી યોજાશે.

            ગુરૂને પ્રભુની સમકક્ષ માની દરેક ધર્મપ્રેમી ભાઇબહેનો માટે ગુરૂપુજન બાદ બપોરે ૧૩-૦૦ કલાકે ઝુલેલાલ વાડી ફુલીયા હનુમાન રોડ જૂનાગઢ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. તો જૂનાગઢનાં ગુરૂપુજનમાં સહભાગી બનવા ઈચ્છતા સૈા ધર્મપ્રેમી ભાઇ બહેનોને ગુરૂ ગોવિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય, બલિહારી ગુરૂદેવકી, જીને ગોવિંદ દિયા બતાય અષાઢ માસની પુર્ણિમાને ગુરૂપુર્ણિમા નાં શૂભ અવસરે સોનાપુરી ખાતે ગુરૂપુજનમાં અને બપોરે લંગર (ભોજનપ્રસાદ)માં ભાગ લેવા ઓમ શાંતી ટ્રસ્ટ જૂનાગઢનાં મનહરભાઇ નેભનાણીની યાદીમાં જણાવાયુ છે.

                                                 ૦૦૦૦૦૦૦૦

સૌરાષ્ટ્ર કચ્છના મોચી જ્ઞાતિના બોર્ડના છાત્રોનો સન્માન સમારંભ વિદ્યાર્થીઓને માર્કશીટની નકલ મોકલવા સૂચના

જૂનાગઢ તા.૨૯

સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં વસતા મોચી જ્ઞાતિના છાત્રોને સન્માનવાનો કાર્યક્રમ આગામી સપ્ટેમ્બર માસમાં રાજકોટ ખાતે યોજાનાર છે.

રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાના કોઇ પણ ગામમાં નિવાસ કરતા આ જ્ઞાતિના વિદ્યાર્થીઓ કે જેમણે માર્ચ-૨૦૧૫માં લેવાયલ ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેમણે પોતાની માર્કશીટની પ્રમાણિત નકલ, પોતાનું નામ, સરનામું, ફોન નંબર, સંબંધિત ગામના જ્ઞાતિના પ્રમુખનો ઓળખાણ સ્વરૂપનો દાખલો, પાસપોર્ટ સાઇઝના બે ફોટા વગેરે વિગતોવાળી અરજી તા.૧ ઓગસ્ટ ૨૦૧૫ સુધીમાં (૧) ડી. આર. ઝાલા શ્રીરંગ સોસાયટી, બ્લોક નં.૧૩, રામેશ્વર કૃપા, ગુરૂદત્ત મંદિર સામે, ચિત્તલ રોડ, અમરેલી. (૨) અશોકભાઇ આર. ગોહેલ, પ્રમુખ અક્ષર ટ્રેડર્સ, સેવા સમિતિ પાસે, મહેતા શેરી, એમ.જી. રોડ, ભાવનગર અને (૩) દિનેશભાઇ ચાવડા, ચામુંડા કૃપા, શ્રી હરી સોસાયટી, શેરી નં. ૯, કપીલા હનુમાન મંદિરની બાજુમાં, મવડી ચોકડી, રાજકોટના સરનામે મોકલી આપવા શ્રી સૌરાષ્ટ્ર કચ્છ મોચી જ્ઞાતિ મહામંડળના પ્રમુખ અશોકભાઇ ગોહેલ તથા મંત્રી કિરીટભાઇ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

૦૦૦૦૦૦

જીવમાંથી શિવ અને નર માંથી નારાયણ તરફ માર્ગદર્શિત કરે તેવા સદગુરૂની કૃતજ્ઞતા વ્‍યક્ત કરવાનો દિવસ એટલે ગુરૂપુર્ણીમાં

જીવમાંથી શિવ અને નર માંથી નારાયણ તરફ માર્ગદર્શિત કરે તેવા સદગુરૂની કૃતજ્ઞતા વ્‍યક્ત કરવાનો દિવસ એટલે ગુરૂપુર્ણીમાં

આજનો વ્‍યક્તિ અને સમાજ અનિતી, રાજનિતી, કપટનિતી, સંકુચિતતા, સ્‍વાર્થ, અસંયમ, પરિગ્રહ અને ધોખાધડી જેવા અનેક કારણો અને ઉપકરણોથી ઘેરાયેલો છે. કારણ  વગર જેટલુ અવળચંડુ અને કટુષાય એટલુ જ કાર્ય વિચિત્ર,વિષમય અને નિમ્‍ન કોટીનું બને છે. દરેક કાર્યનો પાયો છે વિચાર,કાર્ય કે આચાર એ વિચારનીજ ક્રિયાત્‍મકતા છે.વિચારની દશા-દિશા ઉપર કાર્યનાં શુભ અશુભ હોવાનો આધાર છે.શુભ વિચારો-શુભ સંકલ્‍પો, શુભ અને કલ્યણમયી કાર્યની ઉત્તમ ઈમારત ખડી કરે છે.સુંદર વિચાર અને સારા કાર્યો સત્‍વશીલ શિક્ષણથી મળતા હોય છે. અને આવી ચેતનાં શિક્ષા ગુણીયલ ગુરુ જ આપી શકે . . વિક્રમ સંવતનાં અષાઢ માસની પૂર્ણિમાંને આપણે સૈા ગુરુપૂર્ણિમાં તરીકે ઉજવીએ છીએ. આમ તો અષાઢ માસ એટલે ત્‍યાગ અને સેવાનો માસ, અષાઢી બીજ અને પૂનમ એ ધાર્મિકતામાં સત્કાર્યોની સુવાસનાં દિવસ. . .ગુરૂની ભક્તિની કૃતજ્ઞતા વ્‍યક્ત કરવા સંસ્‍કારી અને રાષ્‍ટ્રભાવનાં પ્રેરીત કાર્યથી દેશને ગૈારવ હાંસલ થાય તેવુ કાર્ય કરીએ.

                   અશુભ સંકલ્‍પો અને અનુચિત વિષયમ અને વિકારગ્રસ્‍ત કાર્યોની શૃંખલાનું નિર્માણ કરે છે.ઝેર પાયેલા તીર,ખંજર કે દોરાનો ઘસરકો તેનાં પાવા વાળાને પણ ખતમ કરી શકે છે તેમ વિષમ કાર્યોનું છે. ધૃણા તિરસ્‍કારની શીખ આપતા ઢોંગી ધતિંગબાજ ગુરૂ ઠગ વિદ્યા જ શીખવી શકે અને તેનો ભોગ પણ ખુદ જ બનતા હોય છે.

               વિચારોમાં ઉમદાપણું, વિચારોમાં નિઃસ્‍વાર્થપણું અને અપરિગ્રહી સમાજમાં સ્‍વાર્થ વિષૈલી અનીતી-રાજનિતી આજે આગવી ઓળખ બનતી જાય છે. ઉસ્‍તાદ હોવુ, કાબા લુચ્‍ચા કે અઠંગ ખેલાડીપણું ગઠીયા હોવુ એ જાણે કે આજનાં સમાજમાં ગુણાવરણ અને આજનાં સમાજનું ભુષણ બનતુ જોવા મળી રહ્યુ હોય તેમ નથી લાગતુ ? આ બધી દુર્ગુણી ગુરૂનાં  આર્વિભાવની અસરથી થતુ હોય તે સામાન્યપણે માનવા જેવુ બને. . . .!

           વેદમાં એક વાક્ય એ અમર વાક્ય છે, “ચારે દિશાએથી મને શુભ વિચાર પ્રાપ્‍ત થાઓ.”આ વેદવાક્ય એ અમર વાક્ય છે. જીવન આનંદનું ઉત્તમતા અને શાંતીનું એક અતિ ગુઢ રહસ્‍ય એટલે આદર્શ ગુરૂપદ ,ઉત્તમ ચેતનાનો સંચાર ગૂરૂ  તરફથી શિષ્‍ય તરફ વહે છે.

           શાસ્‍ત્રોમાં વિદ્યાનાં અનેક પ્રકાર બતાવવામાં આવ્‍યા છે. તેમાં મહત્‍વનાં એવા ગુરૂમુખી વિદ્યા ,મન્‍મુખી વિદ્યા, સુર્યમુખી વિદ્યા અને સન્‍મુખી વિદ્યા છે. ગુરૂનાં મુખેથી નિકળેલી આજ્ઞા કે વચનનું અક્ષરસઃ પાલન કરવુ તે ગુરૂમુખી વિદ્યા, ગૂરૂનાં વચનનો કે શાસ્‍ત્રોનો મનમાં આવે તેમ અર્થઘટન કે અમલ કરવો તે મનમુખી વિદ્યા, સુર્યનારાયણ પાસેથી વિદ્યા હાંસલ કરવા હનુમાનજી સુર્યનાં રથ આગળ પાછા પગે ચાલતા રહી જેમ પ્રતીકુળ પરિસ્‍થિતીએ પણ વિદ્યા હાંસલ કરતા તે પ્રયત્નને સુર્યમુખી વિદ્યા,અને ચોથી વિદ્યા એ સન્‍મુખી વિદ્યા . . જેમાં શિષ્‍ય ગૂરૂની સન્‍મુખ બેસી રહે ત્‍યારે ચેતનાનું સંપ્રેષણ થાય છે. ચેતનાં ગુરૂ તરફથી શિષ્‍ય તરફ વહે તે સન્‍મુખી વિદ્યા.આમ તો માનવ માત્રને જીવનથી મૃત્‍યુ સુધી નિરંતર શિક્ષાની જરૂરત રહે છે. તે પછી વ્‍યક્તિ પાસેથી મળે કે નિર્જીવ પદાર્થ પાસે કે પશુ-પક્ષી પાસેથી… દરેક વસ્‍તુ,પદાર્થ કે સજીવ કઇંક તો  બોધ આપતા જ હોય તે એક પ્રકારની શીખ જ છે. ગુરૂ દતાત્રેયને પણ અનેક ગુરુ ધારણ કર્યાની વાત આપણે સાંભળતા આવ્‍યા છીએ. આપણી ગુર્જરધરાનાં પ્રાન્‍ત પ્રમાણે નામ છે.જેમ કે ચરોતર ,હાલાર, ભાલ, વાગડ, ઝાલાવાડ, સૈારષ્‍ટ્ર વગેરે અને તેમાય સૈારાષ્‍ટ્રનાં સોરઠ પરગણામાં પણ કાઠીયાવાડ, નાઘેર, ઘેડ,ઓખાઇ,બરડો, આલેચ, સોરઠ વગેરે આમ પ્રદેશ અને પ્રાન્ત પ્રમાણે રહેણીકરણી ,પહેરવેશ ,રીત રીવાજો, અને લોકસંસ્‍કૃતિ પણ ભાતીગળ છે. છતાં એક વાત સર્વસામાન્‍ય છે,તે લોકસંસ્‍કૃતિને અનુરૂપ ધર્માલયો પણ શ્રધ્ધા કેન્દ્ર બનીને જન સમાજને સંસ્‍કારી અને સભ્યશીલ વસુદૈવકુટ્ટુંબકમની શીખ આપી પરસ્‍પર ભાઇચારો અને ધર્મની શીખ આપતા રહ્યા છે. જૂનાગઢ જીલ્‍લો એટલે ગરવા ગિરનારની છત્રછાયા વાળો પ્રદેશ વનરાજ કેસરી અને ગીરીકંદરા વાળા આ પ્રદેશમાં સિધ્ધ સંતો, સાહિત્‍યકારો અને કવીઓ,મહામાનવો આજેય સમાજજીવનને  માર્ગદર્શક બની ધર્મ અને સંસ્‍કાર આચરણનાં સિંચન કરે છે. કહેવાય છે કે ગિરનાર ક્ષેત્રપર નવનાથ અને ૬૪ જોગણીનો વાસ છે. અમર આત્‍માઓ અહીં વિરામ ફરમાવે છે. ગુરુ શિષ્‍યની ચરમસિમા એવા મહાશિવરાત્રીનાં દિવસે સંત અને સિધ્ધોનાં દર્શન અહીંજ થાય છે. તે પદેથી ગુરૂભક્તિની વાત કરવી આ પર્વે અનુચિત નહીં લેખાય. . .

            જુનાગઢનાં ભક્તકવી નરસીંહ મહેતાએ રાધેક્રિષ્‍નાને ગુરુમંત્ર બનાવીને દ્વારિકાધીશને પણ પામી શક્યા હતા. આપાગીગા ,સત્ત દેવીદાસ, દાતાર, દાદા મેકરણ, શેઠ શગાળશા જેવા સંત સમાગમથી જીવનનાં મુલ્‍યો બદલી જાય છે ત્‍યારે આપણાં જીવન ઘડતરમાં ફાળારૂપ ગુરુ તરીકે ભાગ ભજવનાર મહામાનવોને શ્રધ્ધાપુર્વક મસ્‍તક નમાવીને કૃતજ્ઞતા જો વ્‍યક્ત ના કરીએ તો નગુણા લેખાશુ.

               ગુરૂપુર્ણિમાં એટલે આધ્યાત્‍મીક વિકાસનું સરવૈયુ કાઢવાનો પવિત્ર દિવસ, ગુરૂની ગરીમાંનું ગૈારવવંતુ પર્વ એટલે ગુરુપુર્ણીમાં . . આ ભવાટવીમાં ભમતા માનવીને દિવ્યતાનો રાહ ચિંધનાર સદગુરુનાં ઉપકારોથી ઋણમુક્ત થવા ગુરૂનાં પૂજનનો મહિમાવંત દિવસ. . જેનું મન વશમાં ન હોય તે લઘુ અને જેનું મન વશમાં હોય તે ગુરૂ ..  બસ આટલી જ વાત સમજીએ તો પણ લઘુ-ગુરૂનાં સિમાડા આપણે સમજી શકીશુ. ગુરુ એટલે સંયમની મુર્તિ,જીવમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ રેલાવે તે ગુરૂ. .કનક –કાંતા અને કિર્તીનાં પવન જેને હલાવી ન શકે તેવા મહામાનવ એટલે  ગુરૂ. . .જીવાત્‍માને સત્‍યરૂપી પરમાત્‍મા તરફ લઇ જાય તે સદગુરૂ . આપણીં સંસ્‍કૃતિમાં ગુરૂશિષ્‍યનો સંબંધ અલૈાકીક છે. જીવમાંથી શિવ અને નરમાંથી નારાયણ પ્રતિ ધ્યેયનું માર્ગદર્શન ગુરુ શિષ્‍યનું આત્‍યંતિક કલ્‍યાણ કરે છે. ગુરૂનાં લાખો ઉપકારો કૃતજ્ઞતાપૂર્વક ગુરૂપુર્ણીમાં ઉજવીને આપણે સાર્થક કરીએ . . . ગુરુ પૂજન એટલે ? જ્ઞાન-વૈરાગ્યવાદી એશ્‍વર્ય સંપન્‍નથી સદગુરૂનાં અભ્યુદયને નિઃશ્રયસ માટે સર્વ કાંઇ કરી છુટવાની નિઃસ્‍પૃહ તત્‍પરતા, વિશ્‍વ કલ્‍યાણની ભાવનાં વગેરે અનંત દિવ્‍ય ગુણોથી પૂજન એનો ગુરુત્‍વની સંભાવનાં મહત્તાનું સન્માન, સદુપદેશને આચરણમાં ઉતારવાની સંકલ્‍પરૂપ લોકસંગ્રહ અને કૃતજ્ઞતાદર્શક સમારંભ. ગુરૂને સાધારણ અક્ષર સમજવાથી અને પ્રતિમાને સામાન્‍ય શિલા માનવાથી જીવન અધોગતિ તરફ પ્રયાણ કરે છે.

                 આપણાં ઈતિહાસમાં સ્‍વામિ વિવેકાનંદજી-રામકૃષ્‍ણ પરમહંસ, છત્રપતિ શિવાજી- ગુરૂ રામાનંદજી, સંતશ્રી જલારામ ગુરૂ ભોજલરામ, અરે શ્રી રામનાં ગુરૂ વિશ્વામિત્ર અને શ્રીકૃષ્‍ણનાં ગુરૂ સાંદીપની, કર્ણ અને ભીષ્‍મનાં ગુરૂ શ્રી પરશુરામ , અરે કોણ કોનાં ગુરૂ  અને કોણ કોણે ક્યારે ક્યા ગુરૂ પાસેથી શિક્ષા હાંસલ કરી તેની વાત કરવા જઇએ તો ભારતીય સંસ્‍કૃતિનાં એક એક પાત્રનાં જીવન કવનથી પરિચય કેળવવો પડે,મહિમાવંત વિભુતિઓનાં પ્રેરક જીવનને જો કોઇ અજવાશનો પથ કંડારવા માર્ગદર્શક બન્યુ હોય તો માતા પછીનું સ્‍થાન ગુરૂનું લેખાય.આથી જ ગુરૂની સાર્થક શિક્ષા શિષ્‍યનાં ઉજ્જવળ ભાવીમાં પુરવાર થતી હોય છે.

                 આજની આધુનિક શિક્ષા પધ્ધતિથી જીવનઘડતર કરનાર આદર્શ શિક્ષક પણ આધ્યાત્મિક જીવનની રાહ દેખાડનાર સંત સમાન જ છે. રાજ્ય સરકારશ્રીએ પણ શૈષવકાળથી જ શિક્ષાને મહત્‍વ આપીને મનુષ્‍ય જીવનઘડતરમાં છેવાડાનાં ગરીબ ઘરનો બાળક કે દીકરી અભ્યાસથી વંચિત ના રહે તેની ખેવના કરી છે. માનવ જીવન કંડારવા માત્ર વ્યક્તિ જ ગુરુ હોય એવુ નથી બનતુ દરેક વ્‍યક્તિ જડ-ચેતન તમામ માંથી પ્રેરણા બોધ તરીકે કઇંક નવુ શિખે છે. મહાભારતમાં એકલવ્‍યે ધર્નુવિદ્યા દ્રોણનાં માત્ર પ્રસ્‍થાપીત મુર્તિને સામે રાખીને શ્રેષ્‍ઠ ધનુર્ધર બની શક્યા હતા. આમ જીવનમાં જન્‍મથી મૃત્‍યુ સુધી નિરંતર શિક્ષણ મળતુ જ રહે છે,અને આપણે મેળવતા પણ રહી છીએ.આથી જ જીવનકાળમાં આમ જોઇએ તો અનેક ગુરૂ પાસેથી કઇંક ને કઇંક શિક્ષા મેળવી જીવનમાં આત્‍મસાત કરી હોય છે. આમ કેળવણીનાં સરવૈયાનો દિવસ એટલે ગુરૂપુર્ણીમાંનો દિવસ. આવો આપણે પણ આખા વર્ષનાં જીવનઘડતરમાં સારા પાસાને આ દિવસે યાદ કરી અને નવા સંકલ્‍પ કરીએ એ  પર્વની શીખ માનીએ.

                                                    હરી ઓમ તત્‍સત જય ગુરુ દત્ત

જૂનાગઢ જિલ્લાનાં કોન્‍ટ્રાક્ટ બેઈઝ સફાઇ કામદારોને લઘુતમ વેતનધારા મુજબ વેતન ચુકવવા સુચનો

જૂનાગઢ જિલ્લાનાં કોન્‍ટ્રાક્ટ બેઈઝ સફાઇ કામદારોને લઘુતમ વેતનધારા મુજબ વેતન ચુકવવા સુચનો

રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગનાં સભ્ય ડો. લતા ઓમપ્રકાશ મહંતોએ જૂનાગઢ જિલ્લાનાં સફાઇ કામદાર યુનિયનો સાથે બેઠક યોજ્યા બાદ અધિકારીઓને કામદારોનાં હીતમાં જરુરી વ્‍યવસ્‍થાઓ ગોઠવવા આપી સુચના

સફાઇ કર્મચારીઓ અને તેના પરિવારજનો પ્રત્યે સંવેદના રાખી નિયમોની અમલવારી કરાશે- જિલ્લા કલેકટર આલોકકુમાર

જૂનાગઢ તા.૨૮

રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગનાં સભ્ય ડો. લતા ઓમપ્રાકશ મહંતો આજે જૂનાગઢ મનોરંજન સર્કીટ હાઉસનાં બેઠક કક્ષમાં જૂનાગઢ મહાનગરપાલીકા અને જિલ્લાની નગરપાલીકા લેવલે કામ કરતા સફાઇ કર્મચારીઓ અને કર્મચારી આગેવાનો સાથે બેઠક યોજી તેમનાં પડતર પ્રશ્નો, સામાજીક શૈક્ષણીક અને વહીવટી તેમજ કાયદાકીય બાબતોને લગત બાબતે વિવિધ મુદાઓ પર મળતી સુવિધાઓ, આરોગ્ય અને માળખાગત વ્‍યવસ્‍થાઓ અંગે સફાઇ કર્મચારીઓ સાથે બેઠક દરમ્યાન માહિતી તેમજ સુચનો મેળવ્યા હતા,અને તેમની આર્થિક સામાજીક સ્થિત અને સરકારી નિયમો મુજબ લાભ મળે છે કેમ તે અંગે સમીક્ષા કરી હતી. પદાધિકારીઓ સાથે મીટીંગ કર્યા બાદ કલેકટર કચેરીનાં સભાખંડમાં કલેકટરશ્રી આલોકકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય પ્રકાશ, પોલીસ અધિક્ષકશ્રી સૈારભ તોલંબીયા, મ્‍યુ.કમિશનરશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદી સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોનાં અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સફાઇ કર્મચારીઓ અને તેમના પરિવારોનાં કલ્યાણ માટે જરૂરી વ્‍યવસ્‍થાઓ ઊભી કરવા સુચનાઓ આપવામાં આવી હતી.

         આયોગનાં સભ્ય ડો. લતા મહંતોએ જૂનાગઢ મહાનગરમાં કોન્‍ટ્રાક્ટ બેઈઝ સફાઇ કામદારોને જરૂરી નિયમાનુસાર લાભ આપવા, નિવૃતિ વખતે એકી સાથે ગ્રેચ્‍યુટી સહિતના ચુકવણા કરવા તેજ રીતે જિલ્‍લાની માંગરોળ સહિતની પાલિકાઓમાં લઘુતમ વેતન ધારા મુજબ વેતન રાખવા અને કોન્‍ટ્રાક્ટરો અમલવારી ન કરતા હોય તો પગલા લેવા તેમજ હવે પછી કોન્‍ટ્રાક્ટરો સાથે એમ.ઓ.યુ. કરી વેતનધારો અને એમ.એસ. રૂલ્‍સની અમલવારીનો ઉલ્‍લેખ કરવા, સફાઇ કર્મીઓની વસાહતોમાં રોડ, પાણી અને સરકારી યોજનાઓ, આવાસ યોજનાની અમલવારી થાય, બે પાળીમાં કામ લેવાના બદલે એક પાળીમાં કામ લેવા, કર્મચારીઓના પ્રશ્નો માટે તકેદારી કમિટીનું ગઠન કરવા અધિકારીઓને સુચના આપી હતી.

       આયોગના સભ્‍યએ સફાઇ કામદારોને જરૂરી સાધનો આપવા, તેના બાળકોને સરકારી નિયમો મુજબ શિષ્‍યવૃતિ મળે, બેરોજગાર યુવાનોને સબસીડીયુક્ત લોન અને આર.ટી.ઇ.૨૦૦૯ અંતર્ગત સફાઇ કામદારોના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશની અમલવારી થાય તે માટે જણાવ્‍યું હતું.

       મ્‍યુ. કમિશનરશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ કોર્પોરેશનની હાલની સ્‍થિતિ, લેવાયેલા પગલા અને ભાવિ આયોજનથી સભ્‍યશ્રીને વાકેફ કર્યા હતા. કલેક્ટરશ્રી આલોક કુમારે સફાઇ કર્મચારીઓ પ્રત્‍યે સંવેદના રાખી તેના પરિવારજનોના હિતમાં ન્‍યાયિક-નિયમો અનુસાર સરકારી જોગવાઇઓની અમલવારી કરાશે તેમ જણાવી ચીફ ઓફીસરશ્રીઓને જરૂરી સુચના આપી હતી. આ બેઠકમાં પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી ડો.અબ્‍દુલ કલામને બે મીનીટ મૈાન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

       આ અંગે સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં મહાનગરપાલિકા સ્‍ટેન્‍ડીંગ સમિતીના ચેરમેનશ્રી સંજય કોરડીયા, કોર્પોરેટરશ્રી મોહનભાઇ પરમાર, કામદાર પ્રતિનીધિઓ શ્રી દિનેશ ચુડાસમા, નરેન્‍દ્ર જેઠવા, વિજયભાઇ વાળા, બાદમાં કલેક્ટર કચેરી ખાતે અધિક કલેકટર શ્રી જાડેજા, જિલ્‍લા પછાત વર્ગ અધિકારી(અનુ.જાતિ)શ્રી પ્રજાપતિ, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ચાવડા, જિલ્‍લા રજિસ્‍ટ્રાર શ્રી તિરથાણી, આસી.લેબર કમિશનરશ્રી પેઇન્‍ટર, મામલતદારશ્રી અને ચીફ ઓફીસરો હાજર રહ્યા હતા.      

૦૦૦૦